હિંદી દલિત વાર્તા
કૈલાશ વાનખેડે
અનુવાદ: ડૉ. જી.કે.વણકર
જસ્ટ ડાન્સ
એણે કહ્યું હતું, મેં સાંભળ્યું હતું.એ ચાલી ગઈ હતી.એના જવાનો સમય હજી ધડકધડક થાય છે.કોણ જાણે કેમ એમ લાગી રહ્યું છે કે એ આવશે સ્વસ્થ પગલે, પોતાને સંભાળતી. સ્મિત ખાળતી, ધીમેથી પોતાના પગ જોતી,
આંખ ને ચહેરો નમાવી ખુરશી પર બેસીને કહેશે.એ એવું જ કરે છે ને હવે પણ એવું જ કરશે. હમણાં સતત બારણા તરફ જોઈ રહયો છું.લાગે છે કે એ બેસીને પોતાના બાલ ઠીક કરતાં કરતાં કહેશે,"વાત એમ છે કે.."
વાત એ છે કે એ જઇ ચૂકી છે.જ્યારે જતી હતી ત્યારે થતું હતું કે એને રોકાવાનો આગ્રહ કરું.ત્યારે અવાજમાં અજીબ લડખડ થઈ ગયો હતો .બોલી શક્યો નહોતો. બસ એટલું જ કહ્યું હતું,"સારું." કહી શક્યો નહોતો કે તારું ધ્યાન રાખજે. કાંઈ વાત હોય તો કહેજે.ત્યારે લાગ્યું હતું સારું. સાંભળ્યા પછી એ કંઈક કહેશે, પણ એણે કશું ન કહ્યું. શું કહેશે? શું સાંભળવું હતું મારે? ખબર નહીં. ફરતા પંખાને જોવા લાગ્યો. બંધ દરવાજો જોયા કર્યો.
એ હવે નીકળી ચૂકી હશે.બસ સ્ટેન્ડ પરથી બસ રાઇટ ટાઈમે નીકળી જાય છે. નહીં રોકાય બસ.બસે આગળનું સ્ટેશન સમયસર પહોંચવું છે. લાગે છે કે બસ ખરાબ થઈ ગઈ હશે. ખરાબ બસ આગળ જઈ શકતી નથી. બસ સ્ટેન્ડ પર આટલી બધી વાર રાહ જોવાને બદલે એ પાછી આવી જશે. રૂમનું બારણું ખુલશે ને એ આવીને ખુરશી ઉપર બેસશે. વિચારો રાહ જોવાની આસપાસ ચક્કર મારતા અટકી ગયા.
એ વખતે રૂમ તપી ગયો હતો. ઉષ્ણતામાન જાળવવાનું પંખાનું ગજું નહોતું. મુશ્કેલી ને બેચેનીમાં તમામ વરતારા છતાં આ સ્થળે વરસાદ આવ્યો નથી. સૂરજ ધોમધખતા તાપ સાથે પૂરેપૂરો સાવધાનીથી પોતાની ફરજ બજાવી રહ્યો હતો.
ખેતરમાં અંકુરિત બીજ પોતાને બળી જવાથી બચાવી રહયાં હતાં. ધરતીની ભીનાશ હવે જઇ ચૂકી છે.
ચાર દિવસ ચાર સૂરજ ચાર ચાંદ ને હજારો હજાર ચાંદની છતાં કરોડો રૂપ ધારણ કરનાર અંધારા વચ્ચે કેવીરીતે રહી શકીશ એકલો. છાપાંમાં બીજી આઝાદી,અન્નાના સમાચાર પ્રસર્યા છે.આ પેપરથી હવા ખાવાનું મન થાય છે.પણ એ વખતે કોઈને કશું કહ્યા સિવાય ઉભો થાઉં છું.
અહીંતહીં રખડીને થાકી ગયો ત્યારે ઘેર આવ્યો, રાતે.ટીવીના આ રિયાલિટી શોમાં વિદેશોમાં જઇ ઓડિયન્સ લેવામાં આવ્યું.સુભાષના પૂર્વજો બંગાળ છોડી વિદેશ ચાલ્યા ગયા હતા.જજ બની સરાહ ખાન."તું કોઈને પ્રેમ કરે છે?"
સુભાષે વિચાર્યા વગર જ, જરાય સમય ગુમાવ્યા સિવાય કહી દીધું, "હા."
આ ધખધખતા સવાલનો જવાબ કોઈ આટલો જલદી કેવીરીતે આપી શકે?પ્યાર શબ્દનો ધ્વનિ કાનના ગલીયારા માં પહોંચ્યો હશે કે તરત સુભાષની જીભે ઝટ હા કહી દીધી.આ હા સાંભળી આશ્ચર્યમાં પડી ગઈ સરાહ ખાન. એ જજ જેણે આંતર- જાતીય, આંતરધર્મીય લગ્ન કર્યું હતું. એને વિશ્વાસ જ ન બેઠો કે કોઈ આટલું જલદી બધાંની સામે પ્યારને મંજૂર કરે. હું પ્યાર કરું છું એ સરેઆમ કહેવું ગુનો માનવામાં આવે છે.અપરાધ, સામાજિક અપરાધ. જયારે ચોરીછૂપી પ્યાર કરવો ને એ અહેસાસને છાતી પર લગાવી રાખવાના સમયમાં, દેશમાં જોઈ રહ્યો છું,સાંભળી રહ્યો છું,મંચ પર સુભાષ છે, લંડનના હોલમાં. બધાંની સામે, બેધડક, નિર્ભિક કહે છે,"હા, હું પ્રેમ કરું છું."
હું એકાંતમાં, એક ઓરડાની ભીતર કહી ન શક્યો ને એ ચાલી ગઈ.હા, શબ્દ ફેંસલાથી બહાર નીકળી શકી નહોતી સરાહ ખાન કે પોતાને સમજાવવા સવાલ કરે છે,"કોને?"
સરાહ ખાન મૂંઝાયેલી દેખાય છે જ્યારે હું ખુદને પૂછી ચૂક્યો છું,"કોને પ્યાર કરે છે, સુભાષ?"
"તમે મને પ્યાર આપો હું તમને પ્યાર આપીશ" નો નારો દેશવિદેશમાં છવાઈ જશે.સુભાષે રેડીયોને બદલે ટીવી પર બધાંની સામે કહી દીઘું.ચહેરા પર રોશની હતી, ચમક હતી.દંગ હતું વાતાવરણ,,સંગીતમાં ડૂબેલું વાતાવરણ ટી. વી.પર ને મારા ઘરની અંદર ટીવીની રોશની સિવાય કશું નહોતું.બલ્બ નહોતો સળગતો.ભીતર કશુંક સળગતું હતું. કશું સમજાતું નથી. સરાહ ખાન એ જજ છે જે મૂંઝવણમાં છે કે હવે સુભાષને કયો સવાલ કરું. સુભાષની આંખો, ચહેરો ને જબાન સાથે ચરણ તૈયાર છે જે ઇચ્છો એ પૂછો, જે ચાહો એ કહો, કરવાનું પૂરેપૂરી તૈયારી સાથે મંચ પર.પણ સારાહ ખાન સાથે છે વૈભવી, બીજી જજ, જે પણ હતપ્રભ હતી.સરાહે કહ્યું, "પછી?"
સુભાષે કહ્યું એનાં માબાપ પંજાબી છે. એ નથી ઇચ્છતાં કે એમની દીકરીનું લગ્ન ડાન્સર સાથે થાય.એ ચાહે છે એન્જીનીયર કે ડેન્ટિસ્ટ જમાઈ જેની કમાણી મહિને પચાસ હજાર ડોલર હોય.એ પ્રેમી સાથે નહીં એન્જીનીયર કે ડેન્ટિસ્ટ સાથે એનું લગ્ન કરાવવા માંગે છે. કમાણી સાથે લગ્ન કરાવવા માગતાં માબાપની વાત સાંભળી મારી ભીતર કશુંક તૂટ્યું. ત્યારે હું ઉભો થઇ ગયો.મને સમજાતું નહોતું કે આ સુભાષને આઝાદી મળશે કે નહીં. એ લંડનમાં જ્યાં સુભાષ રહે છે, છોકરી રહે છે, લાચાર લાગે છે.નિરાશા તરફ જતી ખાઇના મુખ પર ખડો છે.એને એ જગાએ જોઈ પોતાને એકલું લાગવા માંડ્યું.
સારાહ ખાનને કશું સૂઝયું નહીં એટલે એ બોલી,"આપણા દેશમાં તો સ્થિતિ બદલાઈ છે,આવી વાત નથી કરવામાં આવતી. પણ અહીં..અહીં..
વિદેશમાં? નવાઈ લાગે છે!"
પોતાની અસ્થિરતા છુપાવવા સારાહ ખાને પોતાના વાળમાં બંને હાથની આંગળીઓ પરોવી. આ બહાને કશું ઉકેલાઈ જાય પણ હું મૂંઝાઈ ગયો હતો. આશ્ચર્ય થતું હતું આપણા દેશમાં કહેતી હતી એ કઈ જગા? નાગરિક ભલે આ દેશની હોય પણ એ બોલીવુડની છે જે સત્ય નથી બતાવતું , સપનાં વેચે છે, સપનાં ને હકીકત સમજે છે.એમ પ્રેમ સોહામણો લાગે છે, સહેલો લાગે છે.કેટલો મુશ્કેલ હોય છે પ્રેમ, મને પૂછો.મારી વાત સાંભળો.
કોઈ નથી સાંભળનારું.
એકલો જ છું ને ખાવાનું બનાવવાનું છે.એ હું હંમેશા ભૂલી જાઉં છું યાદ નથી રહેતું.યાદ કરવા નથી માગતો કે ખાવાનું બનાવું. યાદ રહે છે એને કહીશ, યાદ રહે છે એનો ચહેરો એની વાત, એનું હાસ્ય,
આઈનામાં એની જ તસવીર દેખાય છે.ત્યારે ખ્યાલ આવે છે કે સુભાષને એક સેલ્યુટ કરું. નજર ટીવી પર ગઈ તો સુભાષ ન દેખાયો.અંધારું ધબ્બ થઈ ગયું હતું.વીજળી જતી રહી હતી. ક્યારેય જતી રહે છે ને ક્યારેય આવી જાય છે.એના ન હોવાની મારી પર કોઈ ખાસ અસર થતી નથી.હવે આંખ બંધ કરીને ત્યાં જ આડો પડી જાઉં છું.જમીન પર. વિચારું છું ને ઠંડી જમીન શાતા આપતી રહી.એનો ચહેરો આંખોની ભીતર નાચતો રહ્યો.
બધી જ ચેનલો પર નાચગાન ચાલી રહ્યું છે જેને રિયાલીટી શો કહે છે, નાચગાન નહીં.એક હળવાશ આવી જાયછે સાંભળતાં. નૃત્ય કહેતાં જ એક અભિજાતપણું આવી જાય છે પણ નથી કહેવામાં આવતું નૃત્ય.લખે છે નૃત્ય પણ શોનું નામ નથી.નૃત્યના નામે જે શીખવવામાં આવે છે કે કરવામાં આવે છે,એનાથી દૂર છે લોકો.
નૃત્ય શુદ્ધતાવાદીઓના ઓરડાઓમાં, હોલમાં છે એ અહીંતહીં નથી જોવા મળતું. જોવા મળે છે ડાન્સ, જે ચાહે એ કરી શકે છે ડાન્સ, હું પણ કરવા માગું છું ડાન્સ. ઉભો થાઉં છું ને વીજળી આવી જાય છે.ટીવી ચાલુ કરું છું.
સગડીનો પ્લગ લગાવું છું,ટીવી બંધ થઈ જાય છે.બલ્બની રોશની એકદમ ડીમ થઈ જય છે. ખાવાનું પકાવનાર સગડીના તારનું ગરમ થવું ટીવીને સ્વીકાર્ય નથી.પોતાના ઘરમાં પોતાને હાથે ખાવાનું બનાવવું ટીવીને, બલ્બને મંજૂર નથી.સગડી સળગશે તો અમે બંધ થઈ જઈશું, એક ધમકી છે,ડાન્સ જોઉં કે ખાવાનું બનાવું?
લોટ ગુંદું છું.એના વિચારમાં હોઉં છું. સગડી પર પોતાને જોઉં છું ને ગુંદાતા આટામાં એને.લાગે છે કે એ ટીવી જોતી બેઠી છે ને હું આટો ગુંદી રહ્યો છું. પાણીના હળવા છાંટા જેવો હું આટા પર છાંટું છું. લાગે છે કે એના ચહેરા પર છાંટા મારું છું, એ સ્મિત કરી ઉઠે છે, ને એક ગિલાસ પાણી નાખવા આગળ વધે છે ને હું એનો હાથ પકડી લઉં છું.છલકાઈ જાય છે રહી રહીને ગિલાસનું પાણી,અમારી આ પકડજકડમાં વરસે છે ભીતર બહાર કોઈ કલકલ કરતી નદી. ભીંજવે છે, ડૂબાડે છે,કે અમે વહેવા લાગીએ છીએ.ખબર નહીં ક્યાં જવું છે.બસ વહેતા રહેવું છે..આટો ગુંદતાં વહેતો જાઉં છું કે અચાનક લાગે છે ગરમી થઈ રહી છે.સગડીની આગ ચરમ પર છે,એની આગમાં પોતાના ચહેરાનો તાપ છે.લાગે છે કે સગડી થઈ ગયો છું.
તવો મૂકું છું સગડી પર.રોટલી વણું છું. ત્યાં બલ્બનો વોલ્ટેજ વધી જાય છે, હવે ટીવી પણ ચલાવી શકાય છે. નથી કરવું ઓન.સગડી બની ગયો છું કે નદી બનવા ચાહું છું કે કહેવા ચાહું છું.
ટીવી ચલાવ્યું.સમાચાર ચેનલ લગાવી.દોઢસો વરસથી બંધ પદ્માનાથન મંદિરનું ભોંયરૂ ખોલવાનો સુપ્રીમ કોર્ટેઆદેશ આપ્યો હતો.સાતમાંથી પાંચ ભોંયરાં ખોલવામાં આવ્યાં છે.એવું મનાય છે કે દોઢ લાખ કરોડની સંપત્તિ છે.હીરા મોતી, સોનાચાંદીનાં ઝવેરાત,સિક્કા, પ્રતીક ચિહ્નન મળી આવ્યાં છે., આટલા ધનનો મતલબ છે કેરળના ત્રણ વરસનું બજેટ, મનરેગામાં ચૂકવવાના ત્રણ વરસના પૈસા,દુનિયાનું સૌથી મોંઘું મંદિર.આ મંદિરે તિરુપતિ મંદિરને ટોચ પરથી ઉતારી પાડ્યું. જે મંદિરમાં સદીનો મહાનાયક પોતાના દીકરાના લગ્નજીવન માટે બાધા રાખે છે, ડરી ગયેલો મહાનાયક પગપાળો ચાલે છે.ટીવીવાળાઓને બોલાવે છે, દેખાવા ચાહે છે ટીવી પર, છાપાંમાં છે કે થનારી વહુની કુંડળીમાંના માંગલિક દોષ નિવારણ માટે દોડી જાય છે કે દીકરાની સગાઈ તૂટી ન જાય.
જેની સાથે ઇશ્ક કર્યો હતો એ તો ના મળી પરંતુ જેણે ઇશ્ક કર્યો હતો સલ્લુ સાથે , વિવેક સાથે એ એરેન્જ થયા પછી રહે.
આ ડરી ગયેલા ને ડરાવવામાં આવેલા સમાજમાં પ્રેમ ડરનું નામ બની ગયો કે સમાચારને બદલે જસ્ટ ડાન્સ જોવું કે મહાનાયકના ડાન્સમાં સંગીત નથી, લય નથી,સૂર નથી, ગાયન નથી. કે રોમાનિયાની છોકરી 'પિયા બસંતી રે કાહે સતાયે આ જા' પર ડાન્સ કર્યા પછી જ્યારે ગીતનો અર્થ બતાવતાં આંસુઓમાં ડૂબી જાય છે ત્યારે એનો મંગેતર બહાર ઉભો સ્ક્રીન પર જુએ છે,ભીની ભીની આંખો સાથે.વૈભવી ભાવુક થઈ ગઈ, બધાંએ જોયાં એનાં આંસુ. ભીની આંખો, ભાવુકતા. મારી આંખો ભીની છે.રાહ જોતો બેઠો છું , ગણગણવા ચાહું છું, કાહે સતાયે આજા..પિયા બસંતી રે...
બારણું ખટખટાવવાનો અવાજ આવ્યો. સાંકળ સતત બારણાના પાટિયા પર ખખડતી રહી કે સતાવવાની આ બીજી રીતે પર હું ઉભો થાઉં છું.એ વિચાર સાથે કે એ આવી ગઈ,એણે જ બારણું ખખડાવ્યું છે. બારણું ખોલ્યું કે એ ફટાક અંદર આવી જાય છે.
"શું કરતો હતો બે? ક્યારનો ખખડાવું છું." વિચારોની છત ધડામ દઈને તૂટી જાય છે, એના ભંગારમાં હું દબાઈ જાઉં છું. પવન નથી, રોશની નથી, તોય એની યાદમાં છું કે એ કેવીરીતે આવી શકે છે? આટલી રાતે એકલી કેવીરીતે આવી શકે છે?એ આવવા ચાહે છે કે ડરે છે કે કોઈ એને જોઈ ન જાય.
મારા ઘરની ભીતર જતાં. અંધારી રાતે એક છોકરી કોઈના ઘરમાં ચાલી ગઈ.આ એક આંખથી, એક જીભથી નીકળી આ કસબાનો અવાજ લાઉડ સ્પીકરમાં ફેરવાઈ જશે ને સ્થળે સ્થળે ઉભેલા એન્કર પૂછશે,"આખો દેશ એ જાણવા માગે છે કે આપ શા માટે ગઈ હતી?આખો દેશ જોઈ રહ્યો છે, બતાવો શું કર્યું અંદર? આખા દેશની નજર તમારી ઉપર છે. કેમ ડરી રહયાં છો આપ?એવું તે શું કર્યું છેકે આટલો ડર લાગે છે?આખો દેશ જાણવા માગે છે, બોલો..બોલો...
ને એ દેશને બતાવવા નથી ચાહતી.એ ઇશ્કમાં છે, પ્રેમમાં છે, પ્રેમમાં જે હોય છે,ઇશ્કમાં જે ડૂબેલી રહે છે,એને કઈ નજરે જુઓ છો.કે પીઠ પર ધોલ મારીને પ્રેમશંકર કહે છે, શું કરતો હતો બે, કોઈની સાથે કે એકલોએકલો.." એ હસે છે.એ જોર જોરથી હસવા માગે છે કે જાણવા માગે છે હું શું કરતો હતો.
"ચૂપ.જસ્ટ ડાન્સ જો, જસ્ટ." હું કહું છું,હજી દિમાગ પર એ જ છવાયેલી છે.
"ફિલ્મ જોવી છે. બોર થઈ ગયો છું."એ ટીવીનું રીમોટ શોધી રહ્યો છે.
"ફિલ્મ નહીં,જસ્ટ ડાન્સ જો.જો વિદેશમાં પણ આપણા દેશવાળા પૈસાદારને જ જમાઈ બનાવવા માગે છે.
"એ તો બધી જગાએ છે.ગરીબની વહુ કોણ બનવા માગે છે?કોણ બનશે તારી વહુ?" પ્રેમશંકર હસે છે.
એ રીતે કે મારા ચહેરા પર ચીપકી ગયેલી રોશનીને હટાવવા ફૂંક મારતો હોય.
"પ્યારે તું કહે, તું ગરીબ છે કે નહીં?"
"તું જ કહે."હમણાં એ વિચારમાં છું કે શાક ચડી જાય તો દાળ શોધી રહ્યો છું.
"તારી પાસે પંખો છે, એટલે કે તું ગરીબ નથી."એણે ફેંસલો સંભળાવી દીધો.
મેં કહ્યું, "આ તો ચાઇના મેડ છે,સસ્તો છે."
"જ્યારે સરકારી દ્રષ્ટિએ જોવામાં આવે છે ત્યારે સસ્તું મોંધુ નથી જોવામાં આવતું. પંખો છે ને વળી તારી પાસે તો પાકી દીવાલવાળું ઘર છે એટલે તું ગરીબ નથી."
"અરે, આ તો ભાડાનું ઘર છે!"
"હા, એટલે કે ઘરવિહોણો નથી. ખુલ્લામાં નથી સૂતો એટલે ગરીબ નથી તું." ભાવુકતા ભરેલા અંદાજમાં એણે કહ્યું.
"અરે છત તો હોવી જોઈએ ને માથુ છૂપાવવા."
"ટીવી , આ સૌથી વધારે કીમતી સમાન છે. હવે તું ગમે તે કર, ગરીબ થઈ જ ન શકે. ચાલ, જસ્ટ ડાન્સ કરીએ."એ હસતાં હસતાં કમર હલાવવા લાગ્યો.
"એ તો ઇ.એમ.આઈ.પર છે, એ પણ દિલ્હી મેઇડ."
હું વિવશતામાં ફેરવાઈ રહ્યો છું ને પ્રેમશંકર કહે છે,"તું ગરીબી રેખા નીચે નહીં જઇ શકે. તું તો ગરીબીની ઉપર છે, ગરીબીની ઉપર ચડેલો."હસે છે, કામુકતા ભરેલા હાસ્યમાં ડૂબી જાય છે.
"ઉપર નીચે?"
"બંધુ, તને સરકાર ગરીબ ગણતી નથી ને લોકો તને અમીર ગણતા નથી."
"હમણાં તો કહેતો હતો કે ગરીબ નથી ને હવે.." એણે મારી વાત કાપી નાખી.ને કહ્યું,
"જો ભાભીની નજરે તો તું ગરીબ છે.તારી પાસે કાર નથી, પોતાનું મકાન નથી,બહુ સારી કોલોનીમાં રહેતો નથી.નોકરી પણ કાયમી નથી. ચિટ ફંડ કમ્પનીનો ડબ્બો ક્યારેય ગોળ થઇ શકે છે. છોડ, જસ્ટ ડાન્સ જ જોઈ લઉં છું.અરે, આ તો રીપીટ છે એમ પણ આગળના રાઉન્ડમાં જનારાને એક કરોડ મળશે."
"એક કરોડ મળી જાય તો.."
"તો પણ ભાભી નહીં મળે." અટ્ટહાસ્ય હતું સપનાં ને સળગાવી દેનારું.અચાનક જમીનદોસ્ત કરી દેનારું. જેમ આકાશમાં ઉછળીને નાસી ગયેલાને ધરતી પર પટકી દે એવું.ખરાબ લાગ્યું.મૂડ ખરાબ થઈ ગયો, ચહેરો ઉતરી ગયો.ચાકુ શોધવા માંડ્યો છું.
ડુંગળી કાપતાં આંખે પાણી આવી ગયું. ડુંગળીની અસર નહોતી.સપનાંનું તૂટવું હતું. પ્રેમશંકર ટીવી જોતાં બોલ્યો,
"કરોડપતિ બનવું ને જેને પ્રેમ કરો છો એના પતિ બનવું બંને અલગ છે. પ્રેમ કરો પોતાના તરફથી.એ ચાહે કે ન ચાહે. આગળ વધાય કે ન વધાય. એક વાત કહું? સાચો પ્રેમ તો એકપક્ષી હોય છે.પોતાની ધૂનમાં મગ્ન રહેવું.સપનાં શોધવાં, સપનાં માં રહેવું. લગનબગન સાથે એને કંઈ લેવાદેવા નથી.પ્યારકો પ્યાર રહને દો ઇસે કોઈ નામ ન દો." એ ગણગણે છે. હું ચૂપ છું કે હવે જસ્ટ ડાન્સ ચાલી રહ્યો છે.
સૌમિત્રાને એન્કર બંગાળી કહે છે, ભારતમાતા બનીને કરે છે ડાન્સ.ગીતની શરૂઆતમાં ગુંજે છે શબ્દો,આપણી ભારતમાતા જકડાયેલી છે આતંકવાદ, ભ્રષ્ટાચાર,તાનશાહીમાં, અનામતમાં..." ભારતમાતા બનેલી સૌમિત્રાએ દેશભક્તિનું મોજું ફેલાવી દીધું.આ કોની ભારતમાતા છે જે અનામતમાં જકડાયેલી છે? સવાલ દિમાગમાં ઘૂમતો રહે છે.
પ્રેમશંકર જસ્ટ ડાન્સ જોતો જોતો કહે છે,"અબે આખો દેશ આઝાદીની વાત કરી રહ્યો છે ને તું જસ્ટ ડાન્સ જોઈ રહ્યો છે. તું તો પાકો દેશદ્રોહી છે."
એ હસે છે. બ્રેક આવતાં ચેનલ બદલે છે.સમાચારોમાં દૂસરી આઝાદી, જનલોકપાલ, ભ્રષ્ટાચાર સિવાય બીજો કોઈ શબ્દ સાંભળવામાં આવતો નથી.કોઈ પણ ચેનલ લગાવો,એ જ વાત એ જ ચહેરા છે.જેમ કોઈ જાહેરાત બધી ચેનલો પર દેખાય છે એમ જ.એક જ વાક્ય છે,એક જ ભાવ.એક લાઈનમાં જાહેરાત કમ્પની બધી ચેનલ ખરીદી લે છે. ઈચ્છો કે ન ઈચ્છો તમારે જાહેરાત જોવી જ પડે છે. વિવશતા, સહજતામાં બદલાઈ ગઈ છે. હવે ગુસ્સો નથી આવતો.પેલી જ જાહેરાત બધી ચેનલ પર હોય તો ચૂપ રહો, જુઓ, સાંભળો એવો આ મામલો છે, ચૂપ રહો ને હા, કોઈના વિરૂદ્ધ કોઈ પણ સવાલ કર્યા છે તો બધા એ રીતે તૂટી પડે છે જાણે કોઈ ગુનો કરી દીધો.મેં ફેસબુક પર અતિરંજીત પરિવર્તનની વાત કહી જે કોઈક બીજાના મગજમાં ચાલી રહી છે.જેનું ધ્યેય સ્પષ્ટ નથી તો ઘણા લોકોએ મને અનફ્રેન્ડ કરી દીધો. અસહમતી વાંચવા સાંભળવા જ નથી માગતા. ને દાળ ચડાવી દઉં છું સગડી પર.
પ્રેમશંકર કહેછે-
"જો, કિરણ કેવો ડાન્સ કરે છે.વિશ્વાસનું કપડું કિરણના માથા પર નાખ્યું ને ડાન્સ...ભાષણની વચ્ચેવચ્ચે ડાન્સ હોવો જોઈએ કે નહીં?"
"આ તો જસ્ટ ડાન્સનો પ્રાયોજિત રિયાલિટી શો છે."કૂકરની સીટી શોધી રહ્યો છું.સીટી બજાવવા જરૂરી છે.
પ્રેમશંકરને ગુસ્સો આવી ગયો.
"યાર, એ કહે, ભ્રષ્ટાચારથી બધા પરેશાન છે , છે કે નહીં? બધા ઇચ્છે છે ભ્રષ્ટાચાર મુક્ત થાય દેશ."
"હા, ઈચ્છે છે બધા, પણ કોઈ પોતે ભ્રષ્ટાચાર છોડવા માગતું નથી. ને આ જે આંદોલન છે ને જે ભ્રષ્ટાચાર રોકવા માટે,એના નિયમ, કાયદા કાનૂન બધું પહેલેથી છે, બસ એને ઇમ્પ્લીમેન્ટ કરવાનું છે. એને છોડી બીજું માળખું તૈયાર કરવું એ આયોગ બનાવવા જેવું છે.ને તને ખબર છે ને આયોગ શું કરે છે? કેવીરીતે કામ કરે છે?કોઈ એકનું કામ, નામ કહે જે પૂરી પ્રામાણિકતાથી પોતાનું કામ કરતા હોય."
"પણ વિરોધ કરવો તો ખોટું છે."
"જે મને યોગ્ય ન લાગે, જેની રીતરસમ, ઉદ્દેશ્ય, ભેગા થયેલા લોકોનો સ્વાર્થ દેખાઈ રહ્યો હોય તો શું મારી પોતાની સાથે જૂઠ્ઠું બોલું? મારી પોતાની સાથે કેમ કરું ભ્રષ્ટાચાર?"
"સાચું તને દેખાતું નથી.આ જે ચિટ ફંડમાં તું કામ કરે છે ને એ કોને મદદ કરશે?કોને કરી છે મદદ? તમે લોકો તમારો નફો જોવો છો.ચિટફંડ કંપનીનો કર્તાહર્તા પોતાના પૈસા બનાવી રહ્યો છે ને બેવકૂફ કોણ બની રહ્યું છે? જનતા ને તું આંદોલનનો વિરોધ કરી રહ્યો છે.તું.."
"એ લોકપાલમાં ચિટફંડ સામેલ નથી.એ ખાલી વાતો છે. ને હા, એ પણ કહી દઉં કે આ બીજી આઝાદીની વાત મને અપીલ કરતી નથી." કુકરની સીટી વાગે છે, વાતોને રોકે છે.
પોતાના ઘરથી આટલો દૂર રહું છું.આ કંપનીમાંથી ભાગવા એકાદ વરસથી વિચારી રહ્યો છું પણ મારા પૈસા અટકી પડ્યા છે.દર વખતે આશ્વાસન આપે છે.કમિશનના આકર્ષક પેકેજ ઉપરાંત આ કંપનીનું મોટું નામ, મોટાં કામ જોયાં છે તો લાગ્યું કે લાઈફ બની જશે, પણ પગારનાય સાંસા છે. મોટીમોટી જાહેરખબરમાં ભારતમાતા બતાવે છે માલિક. માલિકનો ફોટો દીકરા વહુઓ સાથે એ રીતે બતાવે છે કે જાણે આ જ છે રાષ્ટ્રનિર્માતા પરિવાર. વિચારું છું ને મનમાં ને મનમાં હસવું આવે છે.આણે ભારતમાતાની જય બોલાવી ને હવે દૂસરી આઝાદીવાળાઓને જોઉં છું તો લાગે છે કે આઝાદીની વાત તો બધા કરે છે, બધા એક જેવા જ છે.વિચારું છું,બોલતો નથી કેમકે અસહમતિ વ્યક્ત કરવી ગુનો બની ગયું છે.
આટલી વારમાં ફરી ફરીને જસ્ટ ડાન્સ જોવા લાગું છું.ખબર નહીં જૂના એપિસોડ એક પછી એક કેમ બતાવી રહ્યા છે.એટલો ટાઇમ છે કે એને ખપાવવા બસ જસ્ટ ડાન્સ.
શરમાતો છોકરો આવ્યો. બહુ દુબળો પાતળો. જજ બનેલી સારાહ ખાન મજા લેવા લાગી.એણે નામ બતાવ્યું જયેશ.અપ્રવાસી ભારતીય, એન.આર.આઇ. જેની ભીતર ગીત ને દેશપ્રેમ ભરેલો છે, કહે છે કે ગુજરાતી છું. ખુશ થઈને સારાહ બતાવે છે કે વૈભવી પણ ગુજરાતી છે.એની સ્ટાઇલ એવી છે કે વૈભવી ભાવિ વધૂ છે.
વૈભવી એવા ભાવ બતાવે છે કે જાણે ભાવિ વરરાજાને જોતી હોય. ગુજરાતી છે એટલે લાગ્યું પ્રાંત, ભાષા મેચ થઈ ગયાં. તો સરાહે પૂછ્યું, "કોણ છો?" એ ભાષા, પ્રાંતથી આગળ જાતિ પર પહોંચી ગઈ.
મારા કાન ઉભા થઈ ગયા.મારી ભીતરનું કોઈ બહાર આવનાર છે , જાણે કોઈએ મને પૂછી લીધું, તમારી સરનેમ શું છે? હું બોલું એ પહેલાં તો જયેશ બોલ્યો," ધારો, તો!" હું દંગ છું. સરેઆમ જાતિ ઓળખો અભિયાન ચાલી રહ્યું છે. છાપાંની મેટ્રિમોનિયલ લગ્નવિષયક જાહેરાત વાંચવા લાગ્યા છે આ લોકો. પ્રેમશંકર ઉત્સુકતામાં બંને જજનો સહયોગી બની ગયો છે. સરનેમ પૂછવી એટલે લગ્નની સૌથી મોટી શરત પૂરી કરવી.વૈભવી ઇઠલાતી ને શરમાતી સારાહ પૂછે છે,
"પટેલ છો?"
"ના."એ માઇક હાથમાં લઈ કમર એ રીતે હલાવે છે કે એનું આખું શરીર હલવા લાગે છે. એ કહે છે, " ધારો, તો?"
ભારતવંશી નવા છોકરાને એ ગર્વ છળ કે લોકોને એની જાતિ જાણવાની જિજ્ઞાસા છે.બોલે છે વૈભવી," શાહ છો?"
ને એ છોકરો ઉછળે છે કે એને ઓળખી લેવામાં આવ્યો છે.ખુશી છે એની ભીતર.એ ફેલાઈ રહી છે કે બંને જજ ખુશ છે કે શાહ મળી ગયો શાહ...જાતિ જાણી લીધી આખરે.એ ત્રણે ખુશ છે.ખુશછે તમાશબીન , કે જુઓ, એ જાણી ગયા છે જાતિ.
સારાહને પોતાના જ્ઞાનની પરીપૂર્ણતાનો અહેસાસ થયો. મને અપૂર્ણતાનો અહેસાસ થયો. કેવીરીતે ખબર પડી? રંગ છે,રૂપ છે, કપડાં છે તો શેના આધારે એ નક્કી કરી લીધું કે આ કોણ છે? સુભાષને પંજાબીઓએ કેમ કાઢી નાખ્યો? સુભાષની ઉદાસી મારી ભીતર પ્રવેશી.સુભાષ પંજાબી હોત તો 50 હજાર ડોલરવાળી શરત મૂકવામાં આવત? વિદેશમાં રહી આટલો પ્રેમ કરનારનો ધંધો નક્કી કરે છે કે એની કોની સાથે લગ્ન કરવા દેવામાં આવશે. પ્રેમ કે ધંધો? ધંધો પૈસા લાવે છે. પૈસા પસંદ કરશે, પૈસા ધંધાથી આવે છે.તો ધંધો ક્યાંથી આવે છે? આપણા દેશમાં ધંધો ક્યાંથી આવ્યો છે? વર્ણ વ્યવસ્થાથી આવ્યો છે ધંધો.ને પછી એનાથી જાતિ.
જયેશના ડાન્સ પર સારાહ હસી રહી છે. વૈભવી લોટપોટ છે કે બધા હસી રહ્યા છે.આ ડાન્સ નથી એક મિક્સચર છે જેમાં ન લય છે, ન તાલ છે એટલે બધા હસી હસીને બેહાલ થઈ રહ્યા છે. કે હું અત્યારે ઉદાસ છું કે વૈભવીએ ક્યા આધારે નક્કી કર્યું કે આ પટેલ નથી તો શાહ જ હશે?
મારા ગામ ઝાપાદરાથી ગુજરાતની સીમા લગભગ વીસ કિલોમીટર દૂર છે.અમારા આ વિસ્તારમાં અમે જ અમારા સગાં છીએ. કોઈ નથી પટેલ કે શાહ.તો જે ગુજરાતીને હું ઓળખું છું એને આ જજ કેમ નથી ઓળખતા? કેમ એમની જીભે ન આવ્યું, તમે ભૂરિયા છો, પરમાર, વણકર છો?
સવાર પડી. પ્રેમશંકર પોતાને ઘેર ન ગયો. એ સપનાં જોતો હતો કે એ આવશે, એનું બારણું ખટખટાવશે.લાગ્યું કે મારા ઘરનું બારણું જ ખટખટ થઈ રહ્યું છે. જાગ્યો તો બારણું કોઈ ધડબડાવી રહ્યું છે. કોણ હશે આટલી વહેલી સવારે? હળવો ઉજાસ બારણામાંથી આવી રહ્યો છે.લાઇટ બંધ કરીને સૂવું છું એટલે સવારનો અહેસાસ સહેલાઈથી થાય છે.વળી આજે તો રવિવાર છે. નવ વાગ્યા પહેલાં ઉઠતો નથી.આટલું વહેલું કોણ હશે?
આંખ ચોળું છું ને પૂછું છું કોણ?એ માણસે અનાયાસ પૂછી લીધું, "ચલ ભાઈ, તારું નામ કહે." એના હાથમાં નાનીશી કાળી બેગ છે.સમજમાં જ નહોતું આવતું શુ થઈ રહ્યું છે.
"કેમ?"જાણવા માંગુ છું કેઆ માણસ જેના હાથમાં રજીસ્ટર,ફોર્મ, બેગ છે એ આ રીતે કેવીરીતે નામ પૂછી શકે છે?
એણે કહ્યું,"જાતિ વાળી સેન્સસ છે.જનગણના. આવ્યું સમજમાં?" એની વાતમાં ગુસ્સો હતો જાણે મેં કોઈ ગુનો કરી દીધો હોય. મારું નામ પૂછવા પહેલાં એણે આ બતાવવું જોઈતું હતું. પણ એ ઉભો જોતો રહ્યો.ચૂપ હતો.હું કાંઈ બોલ્યો નહીં.એણે થોડીવાર પછી કહ્યું,"ના બતાવવું હોય તો ના બતાવો. જરૂરી નથી.જાઉં કે?"
"આપને તો ખોટું લાગી ગયું." મેં કહ્યું. જો કે આ એણે મને કહેવાનું હતું. તો મેં કેમ કહ્યું? ઊંઘ, સપનું, દરવાજે ધડબડાટી એ બધાથીય એનું વર્તન ગંદું લાગતું હતું.
"ચલો છોડો.નામ?"
"આકાશ ભૂરિયા."
"પિતાનું નામ?"
"શાન્તિલાલ ભૂરિયા"
"ઉંમર?"
"26."
"લગ્ન તો થઇ ગયું હશે."
"ના."
"અમારે ત્યાં તો આ ઉંમરે બેત્રણ છોકરાં થઈ જાય કે મામલો ખતમ." પેનવાળો હાહાહીહી કરવા લાગ્યો.એનું આમ હી હી હસવું ખરાબ લાગતું હતું.
એણે કહ્યું,"અહીં સહી કરો."
મેં કહ્યું, "શું લખ્યું છે? જરા જોવું." એણે કહ્યું,"હું ટીચર છું, ખોટું નથી ભરતો. શું કામ ખોટો ટાઈમ બગાડો છો?" મારી જિજ્ઞાસા એને બિનજરૂરી લાગી. ને થોડીવાર ચૂપ રહી ભરેલું ફોર્મ મારી તરફ સરકાવ્યું.મેં હસતાં હસતાં કહ્યું, "આપે તો મને પૂછયા વગર મારી જાતિ પણ લખી કાઢી."
"ટીચર છું.મને બધી ખબર છે.ને એમ પણ બધાને ખબર છે. ભૂરિયા એસ. ટી. માં આવે છે." એ પોતાની જાણકારી સગર્વ ઉલેચતાં બોલ્યો.મેં કહ્યું, "આ ધર્મમાં શું લખી દીઘું તમે મને પૂછ્યા વગર?"
"તો મુસલમાન કરી દઉં?" એ ચિડાઈને બોલ્યો.એને સવાલ કરવો અર્થાત એનો ભરોસો ન કરવો એમ એને લાગતું હતું.
"કેમ?"
"એમ પણ વનવાસી ખ્રિસ્તી કન્વર્ટેડ હોય છે ઝાબુઆમાં."
"આપને નથી લાગતું કે આપ વધારે પડતું બોલી રહ્યા છો?એમ પણ જાતિવાર ગણનામાં બધી માહિતી પૂછીને જ ભરવી જોઈએ.આપે તો મારી જાતિ, મારો ધર્મ, મારી ભાષા બધું આપે મન મુજબ ભરી દીઘું."
"તો શું ખોટું ભર્યું?" ટીચર પોતાના અહંકારના શિખર પર હતો.
"હા, ખોટી જ લખી છે વળી માહિતી."
હું મારી નારાજગી જાહેર કરું છું. જે જ્ઞાની થઈ બેઠો હતો એને લાગતું હતું કે એણે બધી માહિતી બરાબર ભરી છે.
એ બોલ્યો, "ધર્મમાં શું લખાવવું છે બોલો."
"આદિવાસી."
"આદિવાસી? આદિવાસી કોઈ ધર્મ નથી."
" આપ એનો ફેંસલો કરશો? હું જે કહું એ આપે લખવું પડશે."
"આમાં ધમકાવવાની કોઈ વાત નથી.મારા બાપનું શું જાય છે, જે કહેશો એ લખી દઇશ..લખી દીધું હવે શું બદલવું છે એ બતાવો."
"ભાષા? ભીલી છે.ભીલી લખો.મારી માતૃભાષા હિંદી નથી."
"ભીલી, ભીલીલી,નિમાડી, માલવી, મારવાડી બધી હિંદી જ છે તો."
"એમાં હું લખાવું એ જ લખો. ને એ પણ કહી દઉં કે એ હિંદી નથી."
"શું ફરક પડે છે, કંઇ પણ લખાવો."એને જવાની જલદી હતી,એને ઉમેદ નહોતી કે કોઈ એને આવું કહેશે, ટોકશે.
"ફરક તો ઘણો પડે.આપે મારી જાતિ, ભાષા,ધર્મ,વ્યવસાય કશું પૂછ્યું જ નહીં ને બધું તમારા મનથી જ લખી નાખ્યું."
"સડક જોઈને પૂછું તારો રંગ કેવો છે? ડામર સાથે શું મીલાવ્યું છે? એ તો બેવકૂફી કહેવાય.કેમકે મને બધું ખબર છે.ખબર છે તમે લોકો વનવાસી છો,ઝાબુઆ, ભૂરિયા તો તમે કહ્યું,બાકી તમને જોઈને લખી દીધું એમાં શું ખોટું લખી નાખ્યું મેં?" મારી હાંસી ઉડાવવા પોતાને સર્વજ્ઞાની સમજતા એનો અહંકાર બોલ્યો.મારા બદન પર મારા દિમાગમાં પોતાના અધૂરા ગંદા જ્ઞાનને ભરવાની કોશિશ સર્વે કરનારો કરતો હતો. એ કાદવ સાફ કરવા મેં મજબૂતીથી કહ્યું,"મારો ધર્મ આપે મનથી જ ધારી લીધો.મારી સરનેમથી જ આપને ખબર પડી ગઈ, હું કોણ છું?આપને ખબર છે કે ઝાબુઆમાં સફાઈ કરનારની સરનેમ પણ ભૂરિયા છે.ટોપલી વણનારો પણ ભૂરિયા છે.તીર ચલાવનારો પણ...તો તમે કેવીરીતે નક્કી કરી નાખો કે મારી જાતિ કઈ છે? આપે મારી ભાષા કઈ છે એ સુધ્ધાં પૂછુયું નથી, લખી દીઘું, હિંદી. મારે મારી ભાષા લખાવવી છે, મારી ભાષા ભીલી છે.ભીલી, ને હું આદિવાસી છું, ભીલ.ભીલ લખો."
એ સમજી ગયો.પેન કાઢી બોલ્યો,"આપણું શું જાય છે,સામેવાળો જે લખાવે એ લખી લઈએ. ટાઈમ ખોટી ન થાય એટલે ઝટપટ લખી દીધું. ખોટું લગાડવાની તો કોઈ વાત જ નથી.આ રીતે બોલવાની કોઈ જરૂર જ નહોતી."
એની ભીતરનું સંચિત જ્ઞાન તૂટવાનો અહેસાસ એના ચહેરા પરથી,એના વર્તન પરથી અનુભવી રહ્યો છું. પોતાને મજબૂતીના અહેસાસના રસ્તે ચાલતો જોઈ રહ્યો છું.
"ચા પીશો?'
"બહુ બધું પીવડાવી દીધું, હવે કશું પીવું નથી, આપને ધન્યવાદ, શ્રીમાનજી.આપ અહીં બધું વાંચીકરીને સાઈન કરી દો બસ."
આ માણસનો ચહેરો, હાવભાવ જોઈને લાગ્યું કે આ જસ્ટ ડાન્સનો એક ભાગ લેનારો છે જેને પોતાની પ્રસ્તુતિ પર શાબાશી નથી મળી રહી ને એટલે નારાજ જેવો થઈ ગયો. મને થયું મારી આસપાસ એવા કેટલા બધા લોકો છે જે જસ્ટ ડાન્સ કરે છે કે પછી કરવા માગે છે.એમને લાગે છે કે લોકો એમના વિશે પૂછે,વાત કરે, શાબાશી આપે. એ કોઈની પ્રસંશા નથી કરતા.સારી રીતે વાત નહીં કરે.પણ ઈચ્છા રાખે છે કે સામેવાળો એમની સામે પથરાઈ જાય, ગાલિચો-ચાદર બની જાય.
ઘરની અંદર એનડીટીવી પ્રેમશંકરને કહી રહ્યો છે,"જીત ગયે, અન્ના ,જીત ગયા ઇન્ડિયા." ઉત્સવ મનાવો, દોસ્તે કહ્યું.એણે કહ્યું, કાલે સવારે દસ વાગે અન્નાનો અનશન તૂટશે. સ્ટાર ન્યૂઝ અડધી જીતનો ઉત્સવ કહે છે આને.હું કશું બોલ્યો નહીં.દેશ જીતી ગયો. એની પર અટકી ગયો હતો.આ કયો ખેલ છે ને દેશના નામ પર કેમ ખેલવામાં આવે છે? પૂછવું હતું પણ આ સમયમાં આવા સવાલ કોઈ સાંભળવાનું નથી.અહીં આવા સવાલોના જવાબ નહીં મળે.બસ એ કહે છે એ માની લો. જેમ ટીચરે માની લીધું હતું એને વિશે બધું જ હવે લોકો ટીચરમાં ફેરવાઇ ગયા છે, ને મારો દોસ્ત ટીવી બની ગયો છે જે નાચી રહ્યો છે, નચાવી રહ્યો છે.આખી દુનિયા ડાન્સ કરે છે.બધા કરી રહ્યા છે ડાન્સ. સમાચાર ડાન્સના આ રિયાલિટી શોનું સીધું પ્રસારણ જોવાને બદલે હું મનોરંજન ચેનલ પર જસ્ટ ડાન્સ જોવા લાગ્યો.
યાદ આવ્યું કે ગઈ વખતે આ શોમાં એન્કરે કહ્યું હતું વૈભવીને , આપ સ્ટેજ પર આવી ડાન્સ કરો, તો માની નહોતી વૈભવી, જે બીજાઓને નચાવે છે.એન્કર કહે છે,"આ પબ્લિક છે ને આપે એ ડાન્સ કરવો પડશે." દેશની વાત સાંભળી વૈભવી ડાન્સ કરે છે.
રવિવારના સવારના અજવાળે મેં સાઈન કરી એને થેન્કયુ કહ્યું. પ્રેમશંકર પોતાને ઘેર ગયો.નહાઇ ધોઈ ખાવાનું બનાવતો હતો ત્યાં બારણું ખટખટાવવાનો અવાજ સંભળાયો. ફરી એની યાદ આવતાં જ સ્મિત આવી ગયું. ગલકાં સમારતાં સમારતાં હાથમાં ચાકુ લઈ ઉભો થયો.
"હું."
હું થી તરત ખ્યાલ આવી જાય છે પટાવાળા,ચોકીદાર, ઘરેલુ નોકર, બધાં કામ કરનારો ગુલાબ.ગુલાબ નામ છે એમનું. બારણું ખોલતાં જ ગુલાબ કહે છે,-
"શેઠજી બોલાવે છે."
એરિયા મેનેજરને આ માણસ સર કે સાહેબ ન કહી શક્યો,એની નજરમાં એ શેઠ છે, શેઠ...હસવું આવે છે પણ એને પૂછું છું, "કેમ?"
"ખબર નથી.કહ્યું જલદી બોલાવી લાવ. જેવો છે તેવો, ટાઈમ નહીં લગાડવાનો."
એના અવાજમાં શેઠજીનો હુકમ હતો.એના શરીરમાં નોકરીનો અહેસાસ.એની આંખોમાં હુકમનું પાલન સફળતાપૂર્વક કરવાની વિનંતિ હતી.વિનય , નમરતા, લાચારી હતી.એને એ રીતે ત્યાંથી ભરીને મોકલવામાં આવ્યો હતો કે અહીં તહીં જુદી જુદી રીતે એ વિખેરાઈ રહ્યો હતો. એનાથી પોતાને સંભાળવાનું બનતું નહોતું. બસ એ હાવભાવ કે મને ઉઠાવીને સાથે લઈ જવો.એને જોઈ ખાલી પાણી પીધું ને તાળું મારીને મારી મોટર સાયકલ પર બેસાડીને નીકળ્યો.
ખેતરમાં વસાવેલ નવી કોલોનીમાં અમારા એરિયા મેનેજરનું નવું મકાન, બંગલો. જેને સડક કહેવામાં આવી હતી એ તો વરસાદમાં વહી ગઈ છે.ખેતરની કાળી માટીનો કાદવ છે.જઈ ન શકીએ.કાદવમાં ફસાઈ જાય ને ગંદી થઈ જાય એ ડરથી હું બાઇક ખૂણામાં ઉભી રાખી દઉં છું. સાબૂત જગા જોઈ પગ મૂકું છું.
ગુલાબની નજર સાબૂત જગા નથી જોતી.એ પોતાનાં પ્લાસ્ટિકનાં જૂતાં સાથે કાદવની પરવા કર્યા વિના આગળ નીકળી જાય છે.સમય પહેલાં જ પહોંચી જઈ બતાવવું છે શેઠજીને કે જુઓ, જે હુકમ આપ્યો હતો એ કરીને આવ્યો.આદેશનું પાલન કરી દીધું.એની તરફ નથી જોતો એરિયા મેનેજર.એ મોબાઈલ પર ભડભડ કરી રહ્યો છે.એણે ગુલાબના વિજયીભાવને જોયો જ નહીં ને મોબાઈલ કાન પરથી હટાવી પીઠ તરફ કરીને બોલ્યો,"અરે, પેલો નાલાયક ભૂરિયા ક્યાં છે?"એનો કટુ અવાજ મારા કાને પડ્યો. લાગ્યું કે એ જેવો ગુલાબને સમજે છે એવો જ મને સમજે છે.એટલે જ તો એ આટલી બેઅદબીથી, વાહિયાત રીતે બોલ્યો.મારી સામે હંમેશા મીઠું મીઠું બોલનારો મારો હિતચિંતક મને શું સાંજે છે? કશુંક તૂટી ગયું.એ બોલતો બોલતો દરવાજા પાસે આવ્યો.એણે જોયું. ક્ષુબ્ધ થયો, કશું ખોટું થઈ ગયું એવો એને ખ્યાલ આવ્યો. એણે કહ્યું,"અરે આકાશ. સૉરી યાર , આટલી સવારે તને તકલીફ આપી.આય એમ રિયલી સૉરી.પણ વાત જ એવી હતી કે તને બોલાવવો પડ્યો.તને તો ખબર જ છે,અહીં તારા સિવાય મારું કોણ છે?"
એરિયા મેનેજરનું રોમેરોમ માફી, વિનમરતા,ને મારા સિવાય બીજું કોઈ ન હોવાને કારણે પોતાના હોવાનો અહેસાસ કરાવવા ઈચ્છે છે.એની મારી પર કોઈ અસર ન થઈ.લાફો મારીને પછી ગાલ પંપાળવાથી દિલની અંદરનું તૂટવું આટલી સહેલાઈથી જોડી શકાતી નથી.
"પ્લીઝ યાર, કાર સ્ટાર્ટ નથી થતી ને અરજન્ટ જવું છે.તને ખબર જ હશે, બીજી આઝાદી મળી ગઈ છે.સેલિબ્રેટ કરવું છે, દિલ્હીમાં એ જ્યૂસ પીશે,અહીં આપણે પણ જ્યૂસ પીશું...દ્રાક્ષનો... ચલો, જલદી કરો,તમે બંને કારને ધક્કો મારો.હું સ્ટાર્ટ કરું છું. જલદી.. પ્લીઝ, જવું છે." વિનય અને પરેશાનીના હાવભાવ સાથે એ કારની ચાવી લેવા ઘરની અંદર જાય છે.લાગે છે કે આ પણ જસ્ટ ડાન્સ કરે છે.જસ્ટ ડાન્સ કરો ને કરોડ જીતો, દેશને જીતી લો.બસ એક ડાન્સ.વિચારું છું ને ચૂપચાપ બહાર ઉભો રહી જાઉં છું.મારી સાથે ગુલાબ પણ ઉભો છે, ભોંયમાં નજર ખૂંપાવી. એની નજર ઉપર ઉઠે છે તો હું ગુલાબને પૂછું છું, "ક્યાં જઈ રહ્યા છે સાહેબ?"
"ખબર નહિ.કહેતા હતા કે દોસ્તો સાથે કોલાર ડેમ તરફ જવું છે, પાલટી છે."
કાપો તો ખૂન ના નીકળે. અરે, આ શું રીત છે કે કારને ધક્કો મારવા ને એ પણ પીકનીક માટે?સવારસવારમાં બોલાવ્યો. એટલામાં એ આવ્યો હડબડ , નાચતો ને કહ્યું, "તમે બંને ધક્કો મારો હું ગાડી સ્ટાર્ટ કરું છું."
"કાર હું ચલાવું છું.સ્ટાર્ટ હું કરું છું." મેં ચાવી લેવા હાથ લંબાવ્યો, એરિયા મેનેજરનો ચહેરો ઉતરી ગયો.
"શું વાત કરે છે?તું ધક્કો માર, મારા દોસ્ત." સ્મિત કરવાની અસફળ કોશિશ કરતાં એ બોલ્યો.
"ધક્કો આપ મારો, હું સ્ટાર્ટ કરું છું." હું અડગ હતો.મારો ઇરાદો સ્પષ્ટ હતો.કાદવમાં ઉભા રહી પાછળથી ધક્કો મારી કાદવ વેઠવાનું મન નથી.આ માણસે જે રીતે મને નાલાયક કહ્યો એ ખબર નહીં મને શું સમજે છે. એને જોઉં છું, એ હાકાવાકા થઈ ગયો છે,એને સમજમાં નથી આવતું કે મારો માતહત , મારી નીચેનો આ ભૂરિયા આવું કેવી રીતે કહી શકે છે. હું સમજી ગયો હતો કે આ માણસની નજરમાં હું મજૂરી કરનારો ઝાબુઆનો આદિવાસી જ છું. સવાર હોય કે રાત, બસ મજૂરી. બધી વાત માનનારો, હવે નથી માનતો. એ કાંઈક વિચારી રહ્યો હતો, કહ્યું," રહેવા દે, આકાશ.તું જા." મારી સાથે નજર મિલાવ્યા વગર એ પોતાના ઘરમાં ઘુસી ગયો. એને હજી આશા હતી કે હું કહી દઈશ કે સારું,ધક્કો મારું છું.પણ મેં કહ્યું નહીં.
"ગુલાબ, ચાલ ભાઈ. ક્યાં સુધી કાદવમાં ઉભો રહીશ?" હું કહું છું. અચકાય છે. હાથના ઇશારાથી એને બોલાવું છું. ગુલાબ કાદવમાંથી બહાર નીકળવા પગ ઊંચકે છે.